
Rising Violence Among Gujarat’s Youth: Causes, Impacts, and Solutions
આજના સમયમાં કિશોરોમાં હિંસક વર્તનનું પ્રમાણ વધવાનું મુખ્ય કારણ તમે શું માનો છો?
કિશોરોમાં હિંસક વર્તન પાછળ ઘણા કારણો જબાવદાર છે. બાળકની આસપાસનું વાતાવરણ, ઘર, શાળા, માતા-પિતા, મિત્રો, તેની સાથે જોડાયેલ દરેક વ્યક્તિ કહી શકાય. કોઈ એક પરિબળ આની પાછળ કામ કરતું નથી. બાળક શું જોવે છે, શું ખાય છે, શું શીખે છે, શાળામાં કેવાં વાતાવરણમાં રહે છે, ઘરમાં કેવાં પ્રકારનું વાતાવરણ છે, માતા-પિતા બાળકને કેટલો સમય આપે છે આ બધાં જ પરિબળો બાળકનાં દરેક પ્રકારના વર્તન માટે જવાબદાર છે. માત્ર હિંસક જ નહીં, બાળકના સારા-ખોટાં દરેક વર્તન પાછળ આવા અનેક પરિબળો જવાબદાર છે.
સોશિયલ મીડિયા અને વિડીયો ગેમ્સનો હિંસક વર્તન પર શું પ્રભાવ પડે છે?
હા, આ બધી વસ્તુઓનો પ્રભાવ તો છે જ, એને નકારી શકાય નહીં. આ બાબતમાં પેરેન્ટિંગ કંટ્રોલનો મુખ્ય રોલ સામે આવે છે. બાળક ટીવીમાં કે ફોનમાં કે સોશિયલ મીડિયા પર શું જુએ છે અને તેમાંથી શું શીખે છે એ બાબત મુખ્ય રોલ ભજવે છે. બાળકો ઘણી બધી હિંસક વિડીયો ગેમ્સ રમતા હોય છે, જેના કારણે તેનામાં રહેલું એગ્રેશન વધવાનું છે. ધણી વખત આનાથી ઊંધું પણ હોય છે. બાળક ખૂબ જ શાંત હોય છે. ત્યારે ઘણી વખત તેનું એગ્રેશન અંદરને અંદર વધતું હોય છે, જે એકાદ દિવસ જ્વાળામુખીની જેમ ફાટે છે.
મારી પાસે આવેલા એક કેસની વાત કરું તો, એક ૧૩ વર્ષની છોકરી સતત પોતાની સરખામણી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે કરવા લાગી. તેને લાગતું કે તે કદરૂપી છે કારણ કે તે તેમના જેવી દેખાતી નથી. સમય જતાં, એ છોકરીએ ફ્રેન્ડસની બર્થડે પાર્ટીઓમાં, શાળાના પ્રવાસોમાં અને કૌટુંબિક કાર્યક્રમોમાં જવાનું બંધ કરી દીધું. ઘણીવાર એ એકલી-એકલી રૂમમાં રડતી. એના શિક્ષકોએ જોયું કે તે છોકરી વર્ગમાં એકલી પડી ગઈ હતી, પ્રવૃત્તિઓમાં ભાગ લેતી નથી અને તેના ગ્રેડ ઘટી રહ્યા છે. શાળાએ તેના માતા-પિતાને જાણ કરી. પણ માતા-પિતાએ કાઉન્સિલિંગની વાતને ફગાવી દેતા કહ્યું કે, “અમારી છોકરી ફક્ત કિશોરાવસ્થામાંથી પસાર થઈ રહી છે. દરેક વ્યક્તિ મૂડ સ્વિંગમાંથી પસાર થાય છે.” પરિસ્થિતિ ત્યારે પ્રકાશમાં આવી જ્યારે તેના ઇન્સ્ટાગ્રામ વર્તુળના એક મિત્રએ તેના માતા-પિતાને ખાનગીમાં સંદેશ મોકલ્યો અને ચિંતા વ્યક્ત કરી. પછી માતા-પિતા મારી પાસે આવ્યા.